Saturday 18 June 2016

ભેરવાયો છું..


   પસંદે આપની જે જે મને મળ્યું, સદા એમાં ધરાયો છું.
 સ્વયં વરણી કરી જે ચીજ હું લાવ્યો બધામાં ભેરવાયો છું.
  
  ખરીદી સ્વપ્ન એક જંગી રકમનું પોરસાયો પેશગી આપી
પછી હપ્તાઓ ભરવામાં સરળ સાથળ લગીનો વેતરાયો છું.

    ઉતારી દૂરનાં ચશ્મા બતાવી દૂરથી દુલ્હન, કહી સુંદર 
  નરી આંખે ઝબક આંજી, બનાવી માંડવે દુલ્હો લવાયો છું.

    સસા સૂતા હશે રસ્તે તું ચાલે કાચબાની મોખરે થાશે
  ભગો એવો ભરમ વેંચી સસો ખુદ થૈ ગયો ને હું ડઘાયો છું.

 મળે પૂર્ણાંકનાં પાકા હિસાબો ત્યાં લગી હાજર રખાયો છું,
પછી અતિસુક્ષ્મ એવો આંકડો હું દાખલામાં અવગણાયો છું.

ખબર શ્રીરામને ક્યા રોજ માહે સાલથી હું આ જગતમાં છું
   જનમ તારીખ વાળા દાખલે તો એક જૂનેથી લખાયો છું.

  તમે હો સુર્ય તો તમ સુર્યમંડળમાં જ છે છેડે ભ્રમણ મારુ 
અલગ એ વાત છે રોશન થયો ના ના કદી તમને ભળાયો છું.

Wednesday 15 June 2016

Nostalgia 2


આર.ડી.બર્મનનું
early 80's નું કોઇ
આહ્લાદક ગીત સાંભળુ છું ત્યારે
હું મારા વતનનાં,
મારા ઘરનાં ઝરુખામાં
જઇને ઉભો રહી જાઉં છું !
અને મુશળધાર વરસતાં વરસાદને નિહાળતો
એક સ્વપ્નીલ સૃષ્ટિમાં ખોવાઇ જઉં છું..

ગીત પુરુ થતાં જ..
અનાયાસ
ફરી ground floor પર આવી જઉં છું !
જે સુરતમાં છે...
ત્યાં કોઇ વરસાદ નથી
ફક્ત તાપ છે
ને બફારો છે..