Monday 26 December 2016

અક્રમ વિજ્ઞાની ને અર્પણ..

રખે ને 
થઈ જાય
કોઈ શૂન્યમાં ગરક 
એમ
ટાંપીને જ બેઠો છે
એક સાધુ 
શૂન્યની મધ્યે
અતાગ મલકતો મરક મરક
આભાવી એનાં 
વદન ઉપર
જો એક વાર
બસ એકવાર
પડી જાય નજર 
તો
પળમાં જ પર બને 
દખ અને હરખ
પછી 
ધ્યાન મહીં જ્ઞાન વહે
બેતમા વર્તમાન બને 
રહે ન ભૂત કે ભાવિનો ફરક 
બસ
રગેરગમાંથી 
નીકળી જાય સ્વર્ગ
ને નીકળી જાય નરક..

Tuesday 20 December 2016

ped mar chuka


           તરફડી મરતાં ગયા ખરતાં ગયા ખૂટી ગયા
          અંગ પરથી એમ સઘળાં પર્ણકો છૂટી ગયા

           સુજનો શાખા પ્રશાખાઓ બધી ઝૂંટી ગયા
           પંખીઓ માળા ન ભાળી મસ્તકો કૂટી ગયા

           તેજ દ્રવ્યો ઉપનગરનાં, મૂળમાં ઘૂસી ગયા
           ધૂમ્રનાં ગોટા બચેલો ભેજ પણ ચૂંસી ગયા

          માંડ મળતી નીરની એક સેર અટકાવી ગયા 
        આ હુનરનું મુજ પર જ ચોખૂણ લટકાવી ગયા

            રેત લોઢાંનાં મિનારા આભને સુંઘી ગયા 
            તારલા ડાળો તજી પારાપિટે ઊંઘી ગયા

           પૂરતી કરવા ખરાઈ છાલ જે છોલી ગયા 
       આ શજરમાં જીવ ક્યાં છે એવું પણ બોલી ગયા

          દોસ્ત જૂનાં..ટાઢ ને તડકો, મોઢે આવી ગયા
           વાયરા..ખાલી ખબરદાનીને ખખડાવી ગયા

         જીવો માયાવી વિના ઑક્સિજને જીવી ગયા 
          દ્દશ્ય એવું જામતાં આંખો અમે સીવી ગયા