કશ્મીર તો હું કદી ગયો નથી
પણ
અઢી દાયકા પહેલા
છૂટી ગયેલ
મારા વતનની ગલીઓમાં ભમવા
વર્ષમાં એકવાર જરુર જઉ છું..
ત્યારે
ધોમધખતા તાપમાં ફરતાં ફરતાંય
હ્રદય ગાઇ ઉઠે છે :
કિતની ખુબસૂરત યે તસ્વીર હૈ
યે કશ્મીર હૈ..યે કશ્મીર હૈ !
જે ધુળમાં હું આળોટ્યો, ઉછર્યો,
અનેક ખેલ ખેલ્યો
જ્યાં મારા બાળપગો અનંત દોડ્યા છે,
જ્યાં એક યુગ અટકેલો છે,
એ ફૂટપાથો, એ પ્હોળી શેરીઓ
આજે પણ એવા જ દિલકશ છે,
જેવા હું કાચી ઉમરે છોડીને આવેલો !
એક ગોઝારી સવારે
કુદરતે નિર્ણય લીધો
ને પ્રાણપ્યારુ વતન છુટ્યું..
દિલધડક ખેલો છુટ્યા, લંગોટીયા દોસ્તારો છુટ્યા..
પછી..એકધારા ચઉદ વર્ષ વીતી ગયા,
ફરી એ ભુમિ પર પગ મુકતાં !
બસ
આજે
એકલો જ વિચરવા નીકળી પડું છું
એ લાંબી, પ્હોળી, રમ્ય શેરીઓમાં
જ્યાં હું થપ્પો રમતા હજી સંતાયેલો છું
ઓલા ઘરનાં ઓટલા નીચે...પેલા ટીપણાની પાછળ...
ક્યાંક હું મને જ ખોળી લઉ !!
મારો જ થપ્પો કરી દઉ !
એ જીગલા...બ્હાર નીકળ, જોઇ લીધો તને....
પછી
ચાલતો ચાલતો પહોંચુ છું
સંગ્રામસિંહજી હાઇસ્કૂલનાં વિશાળ પટાંગણમાં,
ગોંડલી નદીને કાંઠે..
અસંખ્ય છોકરાઓ કિલ્લોલ કરી રહ્યા છે,
ક્રિકેટ ખેલી રહ્યા છે..
મારી વહેતી આંખોમાં તલાશ જારી છે..
ગોઠણેથી ફાટેલું પેન્ટ પહેરેલો
બારેક વર્ષનો એ જીગલો
શેરીમાં ભલે ન જડ્યો
નક્કી, અહીં તો હશે જ
આટલામાં જ ક્યાંક ફિલ્ડીંગ ભરતો હોવો જોઇએ !
એ મુફલિસ જો મને એકવાર મળી જાય
તો એને બાથમાં લઇ વળગી પડ઼ુ !
ને એનામાં ઓગળી
એની સાથે ફરી એના યુગમાં જતો રહું.....
This comment has been removed by a blog administrator.
ReplyDeleteits too emotional.....very touchy....really
ReplyDeleteઆભાર પૂજાજી
ReplyDelete