Wednesday, 10 August 2016

મિત્ર સૌ...


મિત્ર સૌ બોદા નીકળશે શી ખબર  ***
જીભથી મોટા નીકળશે શી ખબર

ચામથી અખરોટ જેવા લાગતાં
હામથી પોચા નીકળશે શી ખબર

એક સાથે ચાલતાં શરુઆતમાં
પંથમાં નોખા નીકળશે શી ખબર

મન ટહુક્યું જોઇને જે વાદળો 
ધુમ્રનાં ગોટા નીકળશે શી ખબર

ના કદી ફળ્યા મને લીધા પછી 
શૅરનાં સોદા નીકળશે શી ખબર 

તેલ દૈ દૈ મગફળી ભેગી કરી
રિક્ત એ ફોફા નીકળશે શી ખબર

સોગમાં દિવસે સુતેલું કૂતરુ
રાતમાં રોવા નીકળશે શી ખબર

ભરબપોરે ધોમધખતા સુર્યને 
સાંજનાં સોજા નીકળશે શી ખબર

પુસ્તકો મારા એ ગોઠવતી હતી 
આપના ફોટા નીકળશે શી ખબર 

પેટ મારૂ ખોલતાં પીએમમાં 
સેવ ખમણ લોચા નીકળશે શી ખબર

Saturday, 18 June 2016

ભેરવાયો


હરિએ મને હેતથી જે જે આપી
સદા એ બધી વસ્તુઓથી ધરાયો,
કરી જાતે વરણી ઘણું હુંયે લાવ્યો 
કહું શું હરેક ચીજમાં ભેરવાયો.

ખરીદીને એક સ્વપ્ન જંગી રકમનું
અરે ! પેશગી દઈ ઘણું પોરસાયો,
સરળ હપ્તે બાકી રકમ ભરતા અંતે 
ન સપનું કમાયો ન આખો મરાયો.

મળે પૂર્ણ અંકોના પાકા હિસાબો 
મને ત્યાં લગી હાજરીએ રખાયો,
પછી દાખલામાં લઘુ આંકડો હું
અતિસૂક્ષ્મ એવો કહી અવગણાયો.

ઉતારી પ્રથમ દૂર જોવાના ચશ્મા 
બતાવી દુલ્હન દૂરથી, કહીને સુંદર 
નરી આંખે આંજી ઝબક, હાથ ખેંચી
બનાવી દુલ્હો માયરામાં લવાયો.

સુતેલા હશે કૈંક સસલાઓ રસ્તે
તું આગળ થશે કાચબાની ગતિએ 
મને આ કથા વેંચી વેંચી એ માણસ
બન્યો પોતે સસલો અને હું ડઘાયો.

હતી એ ખબર ફક્ત શ્રીરામને કે 
હું ક્યા માહ દિવસથી આવ્યો જગતમાં,
પછી જન્મ તારીખના દાખલામાં 
મને એક જૂનેથી રમતો કરાયો.

તમે જો હો સુરજ તો છે સાવ છેડે 
ભ્રમણ આપના સૂર્યમંડળમાં મારું
અલગ વાત છે એક અવધિ પછી પણ
ન રોશન થયો હું ન તમને ભળાયો.

Wednesday, 25 May 2016

પ્રભુની વ્યથા


    નિરંતર ધૂમ્રસેરો માંહે દમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે 
 ભગત..લે આજ તો તુંને હું નમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

   ફરી આવી ગયો ગોતી તરત બીજુ દરદ કૈં કાજ છે કે નૈં 
   હજૂ તો આગલું વારી વિરમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

સુખે મ્હારાજ થૈ ફરતો વ્યથાએ શ્વાન સમ નતપૂંછ કરગરતો
   અદાકારીઓ તારી ખૂબ ખમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે 

 ગયો ગળચી બધા વ્યંજન મુખે મારા ધરી..ખાલી સુંઘાડીને
  કદી ના ભોગ મેં ખાધો..તે ગમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

  મને પ્હેરાવીને વાઘા ચસોચસ હાર ભારેખમ-ને ઊપરથી
  રમાડ્યો તેં અહર્નિશ રાસ રમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

 અધર નીરન્ધ્ર મારા તોય ગૅલનબંધ પિવરાવી ગયો ગોરસ !
   મનખ સામર્થ દેખીને કમકમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

   હતો હું વ્યાપ્ત બ્રહ્માંડે તરંગો આવતાં ઝીલ્યા હયાતીનાં
   કિરણવેગે અહીં આવીને થમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

    ન સીમાઓ મહીં સંકોચ ગુણ મારો છતાં બૂતે પુરાઈને
    નિરાકારી હું આકારોએ શ્રમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

   નથી આબોહવા આવી કશે જો હું પ્રકાશોવર્ષ પરિહારી
   ધરા કૂંખે બની કૂંપળ ઉગમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

Wednesday, 11 May 2016

તારો ખુબ આભારી છું..


મારા જન્મ પહેલાથી હું કવિ હતો.
તિમિરમાં રહેતો..આકારહીન કલ્પનો કરતો, 
નિરક્ષર હતો..ને લિપિહીન કવનો કરતો.
મારા જન્મ પછીયે હું કવિ જ થયો !
મારુ કવિ હોવું..એ
કદાપિ તારા પર નિર્ભર ન્હોતું. 
તારા આગમન પહેલા પણ હું કાવ્યો કરતો,  
તારા ગમન પછી પણ હું કવિ જ વધ્યો..
અલબત્ત, 
હું તારો ખુબ આભારી રહીશ;
કે, એક અદ્ભુત રસ વિષાદનો 
તેં મારા કાવ્યોમાં શામેલ કર્યો. 
મારુ યાદ આવવું તને.. હરગીઝ ફાયદેમંદ ન્હોતું ; 
પણ, તારુ યાદ આવવું મને, 
આજે પણ
અનિવાર્ય એટલે રહ્યું છે
કે તુંએ અપ્રેમ ભેંટ આપેલ
એ જથ્થાબંધ રસમાં 
હું મારુ જે ફાલતુ કાવ્ય ઝબોળું છું 
એ સ-રસ બની જાય છે ! 

Monday, 4 April 2016

Nostalgia



કશ્મીર તો હું કદી ગયો નથી 
પણ 
અઢી દાયકા પહેલા 
છૂટી ગયેલ 
મારા વતનની ગલીઓમાં ભમવા
વર્ષમાં એકવાર જરુર જઉ છું..
ત્યારે
ધોમધખતા તાપમાં ફરતાં ફરતાંય 
હ્રદય ગાઇ ઉઠે છે : 
કિતની ખુબસૂરત યે તસ્વીર હૈ 
યે કશ્મીર હૈ..યે કશ્મીર હૈ !  

જે ધુળમાં હું આળોટ્યો, ઉછર્યો, 
અનેક ખેલ ખેલ્યો
જ્યાં મારા બાળપગો અનંત દોડ્યા છે, 
જ્યાં એક યુગ અટકેલો છે,
એ ફૂટપાથો, એ પ્હોળી શેરીઓ
આજે પણ એવા જ દિલકશ છે, 
જેવા હું કાચી ઉમરે છોડીને આવેલો !  
એક ગોઝારી સવારે 
કુદરતે નિર્ણય લીધો 
ને પ્રાણપ્યારુ વતન છુટ્યું..
દિલધડક ખેલો છુટ્યા, લંગોટીયા દોસ્તારો છુટ્યા..
પછી..એકધારા ચઉદ વર્ષ વીતી ગયા,
ફરી એ ભુમિ પર પગ મુકતાં !

બસ
આજે
એકલો જ વિચરવા નીકળી પડું છું
એ લાંબી, પ્હોળી, રમ્ય શેરીઓમાં
જ્યાં હું થપ્પો રમતા હજી સંતાયેલો છું 
ઓલા ઘરનાં ઓટલા નીચે...પેલા ટીપણાની પાછળ...
ક્યાંક હું મને જ ખોળી લઉ !!
મારો જ થપ્પો કરી દઉ ! 
એ જીગલા...બ્હાર નીકળ, જોઇ લીધો તને....
પછી
ચાલતો ચાલતો પહોંચુ છું
સંગ્રામસિંહજી હાઇસ્કૂલનાં વિશાળ પટાંગણમાં,
ગોંડલી નદીને કાંઠે..
અસંખ્ય છોકરાઓ કિલ્લોલ કરી રહ્યા છે,
ક્રિકેટ ખેલી રહ્યા છે..
મારી વહેતી આંખોમાં તલાશ જારી છે..
ગોઠણેથી ફાટેલું પેન્ટ પહેરેલો
બારેક વર્ષનો એ જીગલો
શેરીમાં ભલે ન જડ્યો 
નક્કી, અહીં તો હશે જ 
આટલામાં જ ક્યાંક ફિલ્ડીંગ ભરતો હોવો જોઇએ !
એ મુફલિસ જો મને એકવાર મળી જાય
તો એને બાથમાં લઇ વળગી પડ઼ુ !
ને એનામાં ઓગળી 
એની સાથે ફરી એના યુગમાં જતો રહું.....

Tuesday, 29 March 2016

હેમ : પૂરક કાવ્ય ૧


તારી તો કેવી રુપાળી છે જીન્દગી             
તું મુજમાં કાં અટવાણી                                
હું નથી અમૃત‌ ઘાયલ કે નથી 
બરકત વીરાણી 
શું ઉકાળવાનો કલમથી 
લીટા તાણી  
આમાં નથી પઇની
કમાણી  
તેલ વગરની 
ઘાણી 
પ્રાણી 
હુઁ ભાગળનું 
તું રાણી 
વિચાર આગળનું 
મળશે પાણી 
સંગ કોરું પરાઠું કાગળનું  
બનશે રાજરાણી 
પછી ગાડું તે જ લાગશે ગળનું  
ભરી લાવશે કો'અદાણી 
કે અંબાણી, મઢેલું સોનેરી કાગળનું  


પ્રેમ 
કર્યો છે તને 
મેં એમ  
ચંદ્રને જોઇ ગગને 
ચકોરી જેમ 
વલખે; મોર દેખી થનગને 
ઢેલનું અંતર જેમ  
વ્હાલા મારા મયુરનાં રંગો મને 
શાને જાગ્યો તને વહેમ
ચળકાટ દ્રવ્યનો ખુશી દઇ જશે મને   
સુખાકારી મારી તો કેવળ ચિત્ર તારું
સદા રહેશે જેમ નું તેમ 
મારા અંતરપટે તારુ ઉજિયારું
છો ને હો બેરહેમ 
નભ; નિમ્ન ના વિચારું
મારી છે નેમ
તવ સુમુખ પ્યારું
હો ક્ષેમ  
એ જ મારું
હેમ  


તારી તો કેવી રુપાળી છે જીન્દગી                   પ્રેમ 
તું મુજમાં કાં અટવાણી                      કર્યો છે તને 
હુઁ નથી અમૃત ઘાયલ કે નથી                     મેં એમ 
બરકત વીરાણી                        ચંદ્રને જોઇ ગગને 
શું ઉકાળવાનો કલમથી                      ચકોરી જેમ 
લીટા તાણી                    વલખે; મોર દેખી થનગને 
આમાં નથી પઇની                      ઢેલનું અંતર જેમ 
કમાણી                   વ્હાલા મારા મયુરનાં રંગો મને 
તેલ વગરની                       શાને જાગ્યો તને વહેમ
ઘાણી              ચળકાટ દ્રવ્યનો ખુશી દઇ જશે મને  
પ્રાણી              સુખાકારી મારી તો કેવળ ચિત્ર તારું
હુઁ ભાગળનું                        સદા રહેશે જેમ નું તેમ
તું રાણી                  મારા અંતરપટે તારુ ઉજિયારું 
વિચાર આગળનું                        છો ને હો બેરહેમ 
મળશે પાણી                      નભ; નિમ્ન ના વિચારું 
સંગ કોરું પરાઠું કાગળનું                     મારી છે નેમ
બનશે રાજરાણી                        તવ સુમુખ પ્યારું
પછી ગાડું તે જ લાગશે ગળનું                    હો ક્ષેમ 
ભરી લાવશે કો'અદાણી                       એ જ મારું   
કે અંબાણી, મઢેલું સોનેરી કાગળનું                  હેમ 

Friday, 11 March 2016

Devdas : at the doorstep of Parvati's home



यकृत के विक्षत कोष हुए
अवशीत हुआ जठरानल भी
प्रिय आकर मेरे मुख में मधुरस
टपकाता...मैं जी जाता

जो इस व्याबाध का कारक है 
सो ही के कर उपचारक है 
करदक्ष वो छूकर प्राण अंगो में 
भर जाता...मैं जी जाता

नभ निष्ठुर ने आह्लाद किया
मूक दर्शक बन अभिताप दिया
परितप्त मेरे तन पर थोडा जल 
बरसाता...मैं जी जाता

करने तुमको विस्मृत प्रिये 
भटका हुँ मधु से प्रीत किये 
कोई बिध नयनों से तुम आनन 
बिसराता...मैं जी जाता

शत मोह भरे मन मण्डल से
शत पीर भरे तन पिंजर का,
अविरत अविनय उपभोग समय पर 
रुक पाता...मैं जी जाता

प्रति पल है शिथिलता की ग्लानि 
चुभ नित्य रही अपरिध हानि 
सखी कर तेरे मुझ कर में निरंतर 
रख पाता...मैं जी जाता

जैसे तटिनी सागर से मिले
कण रसपाकज के पय में घुले
मुझसे रच ऐसा स्थायी समन्वय
प्रिय आता...मैं जी जाता

प्रिय आता...मैं जी जाता

शैशव घट से मन को भाता, प्रिय आता
सुख की मंजूषा छलकाता , प्रिय आता
शशि किरणों सी देने शाता, प्रिय आता
निस्सौरभ वन को महकाता, प्रिय आता

प्रिय आता...मैं जी जाता
Had my beloved come in my life, 
i would have lived longer.....

( I have posted this poetry at www.songsofyore.com in the comment section of the post "jigar" on 3/9/15 with my original name.
I have created this poetry inspired by Harivansh Rai Bachchan's "koi gaata main so jaata" (Aalap, 1977). Adopted only the format of that song and not taken any line from it.)