Wednesday, 20 April 2016

ખુબ પીધા ..


ખુબ પીધા એના જળ 
ને ખુબ નહાયો એમાં 
ત્યાં જ 
મૃગજળ એ નદી પુરવાર થઇ ! 
જ્યારે પરાકાષ્ઠાએ પહોંચીને 
સપનું તુટયું  
ને 
ભાન થયું 
કે આ તો સવાર થઇ ! 

Monday, 11 April 2016

હતું મને કે..


શી ખબર મને કે આ તમારુ હાસ વણજ નો દાવ હશે,
     જે પ્રીતમાં ચુકવ્યો મેં, મારી ગરજ નો ભાવ હશે. 

      એ પદ્મ નેણાં છદ્મમાં હું કળી શક્યો ના એટલું  
     આ રાગને રસ્તે મારા હિસ્સે કરજ નો ઘાવ હશે.

     ધોવાયું રે લાખોનું મુજ રોકાણ તમારા શૅર્સમાં  
    હતું મને કે એક દિ' આનો અબજ નો ભાવ હશે. 

     ઊભરે કોઇ ઉન્મત્ત બને, ખાલી થવું કોઇનો નશો
  હશે ! એ તો સ્વભાવ નો પ્રકૃતિ સહજ નોખાવ હશે.

    પાકી સમજ આવી મને, જ્યારે ન સમજાયા તમે 
   જેને તમે સમજાયા એ કાચી સમજ નો સાવ હશે ! 

   અવસર છે, કહ્યું ચિકિત્સકે, સંગ્રહ બનાવી લ્યો તમે 
કાવ્યો થયા કરશે સતત,જ્યાં લગી મગજ નો તાવ હશે !  

     બળ પુણ્યનું કૈં ના હતું ને ઘુંટ પીવા'તા મધુરસા 
હરિ જાણતાં, મુરખને લબ એકદિ' રસજ નો સ્ત્રાવ હશે !

Monday, 4 April 2016

Nostalgiaકશ્મીર તો હું કદી ગયો નથી 
પણ 
અઢી દાયકા પહેલા 
છૂટી ગયેલ 
મારા વતનની ગલીઓમાં ભમવા
વર્ષમાં એકવાર જરુર જઉ છું..
ત્યારે
ધોમધખતા તાપમાં ફરતાં ફરતાંય 
હ્રદય ગાઇ ઉઠે છે : 
કિતની ખુબસૂરત યે તસ્વીર હૈ 
યે કશ્મીર હૈ..યે કશ્મીર હૈ !  

જે ધુળમાં હું આળોટ્યો, ઉછર્યો, 
અનેક ખેલ ખેલ્યો
જ્યાં મારા બાળપગો અનંત દોડ્યા છે, 
જ્યાં એક યુગ અટકેલો છે,
એ ફૂટપાથો, એ પ્હોળી શેરીઓ
આજે પણ એવા જ દિલકશ છે, 
જેવા હું કાચી ઉમરે છોડીને આવેલો !  
એક ગોઝારી સવારે 
કુદરતે નિર્ણય લીધો 
ને પ્રાણપ્યારુ વતન છુટ્યું..
દિલધડક ખેલો છુટ્યા, લંગોટીયા દોસ્તારો છુટ્યા..
પછી..એકધારા ચઉદ વર્ષ વીતી ગયા,
ફરી એ ભુમિ પર પગ મુકતાં !

બસ
આજે
એકલો જ વિચરવા નીકળી પડું છું
એ લાંબી, પ્હોળી, રમ્ય શેરીઓમાં
જ્યાં હું થપ્પો રમતા હજી સંતાયેલો છું 
ઓલા ઘરનાં ઓટલા નીચે...પેલા ટીપણાની પાછળ...
ક્યાંક હું મને જ ખોળી લઉ !!
મારો જ થપ્પો કરી દઉ ! 
એ જીગલા...બ્હાર નીકળ, જોઇ લીધો તને....
પછી
ચાલતો ચાલતો પહોંચુ છું
સંગ્રામસિંહજી હાઇસ્કૂલનાં વિશાળ પટાંગણમાં,
ગોંડલી નદીને કાંઠે..
અસંખ્ય છોકરાઓ કિલ્લોલ કરી રહ્યા છે,
ક્રિકેટ ખેલી રહ્યા છે..
મારી વહેતી આંખોમાં તલાશ જારી છે..
ગોઠણેથી ફાટેલું પેન્ટ પહેરેલો
બારેક વર્ષનો એ જીગલો
શેરીમાં ભલે ન જડ્યો 
નક્કી, અહીં તો હશે જ 
આટલામાં જ ક્યાંક ફિલ્ડીંગ ભરતો હોવો જોઇએ !
એ મુફલિસ જો મને એકવાર મળી જાય
તો એને બાથમાં લઇ વળગી પડ઼ુ !
ને એનામાં ઓગળી 
એની સાથે ફરી એના યુગમાં જતો રહું.....