તરફડી મરતાં ગયા ખરતાં ગયા ખૂટી ગયા
અંગ પરથી એમ સઘળાં પર્ણકો છૂટી ગયા
સુજનો શાખા પ્રશાખાઓ બધી ઝૂંટી ગયા
પંખીઓ માળા ન ભાળી મસ્તકો કૂટી ગયા
તેજ દ્રવ્યો ઉપનગરનાં, મૂળમાં ઘૂસી ગયા
ધૂમ્રનાં ગોટા બચેલો ભેજ પણ ચૂંસી ગયા
માંડ મળતી નીરની એક સેર અટકાવી ગયા
આ હુનરનું મુજ પર જ ચોખૂણ લટકાવી ગયા
રેત લોઢાંનાં મિનારા આભને સુંઘી ગયા
તારલા ડાળો તજી પારાપિટે ઊંઘી ગયા
પૂરતી કરવા ખરાઈ છાલ જે છોલી ગયા
આ શજરમાં જીવ ક્યાં છે એવું પણ બોલી ગયા
દોસ્ત જૂનાં..ટાઢ ને તડકો, મોઢે આવી ગયા
વાયરા..ખાલી ખબરદાનીને ખખડાવી ગયા
જીવો માયાવી વિના ઑક્સિજને જીવી ગયા
દ્દશ્ય એવું જામતાં આંખો અમે સીવી ગયા