Wednesday 25 May 2016

પ્રભુની વ્યથા


    નિરંતર ધૂમ્રસેરો માંહે દમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે 
 ભગત..લે આજ તો તુંને હું નમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

   ફરી આવી ગયો ગોતી તરત બીજુ દરદ કૈં કાજ છે કે નૈં 
   હજૂ તો આગલું વારી વિરમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

સુખે મ્હારાજ થૈ ફરતો વ્યથાએ શ્વાન સમ નતપૂંછ કરગરતો
   અદાકારીઓ તારી ખૂબ ખમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે 

 ગયો ગળચી બધા વ્યંજન મુખે મારા ધરી..ખાલી સુંઘાડીને
  કદી ના ભોગ મેં ખાધો..તે ગમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

  મને પ્હેરાવીને વાઘા ચસોચસ હાર ભારેખમ-ને ઊપરથી
  રમાડ્યો તેં અહર્નિશ રાસ રમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

 અધર નીરન્ધ્ર મારા તોય ગૅલનબંધ પિવરાવી ગયો ગોરસ !
   મનખ સામર્થ દેખીને કમકમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

   હતો હું વ્યાપ્ત બ્રહ્માંડે તરંગો આવતાં ઝીલ્યા હયાતીનાં
   કિરણવેગે અહીં આવીને થમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

    ન સીમાઓ મહીં સંકોચ ગુણ મારો છતાં બૂતે પુરાઈને
    નિરાકારી હું આકારોએ શ્રમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

   નથી આબોહવા આવી કશે જો હું પ્રકાશોવર્ષ પરિહારી
   ધરા કૂંખે બની કૂંપળ ઉગમ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

Wednesday 11 May 2016

તારો ખુબ આભારી છું..


મારા જન્મ પહેલાથી હું કવિ હતો.
તિમિરમાં રહેતો..આકારહીન કલ્પનો કરતો, 
નિરક્ષર હતો..ને લિપિહીન કવનો કરતો.
મારા જન્મ પછીયે હું કવિ જ થયો !
મારુ કવિ હોવું..એ
કદાપિ તારા પર નિર્ભર ન્હોતું. 
તારા આગમન પહેલા પણ હું કાવ્યો કરતો,  
તારા ગમન પછી પણ હું કવિ જ વધ્યો..
અલબત્ત, 
હું તારો ખુબ આભારી રહીશ;
કે, એક અદ્ભુત રસ વિષાદનો 
તેં મારા કાવ્યોમાં શામેલ કર્યો. 
મારુ યાદ આવવું તને.. હરગીઝ ફાયદેમંદ ન્હોતું ; 
પણ, તારુ યાદ આવવું મને, 
આજે પણ
અનિવાર્ય એટલે રહ્યું છે
કે તુંએ અપ્રેમ ભેંટ આપેલ
એ જથ્થાબંધ રસમાં 
હું મારુ જે ફાલતુ કાવ્ય ઝબોળું છું 
એ સ-રસ બની જાય છે ! 

Monday 2 May 2016

ક્ષુણ્ણ..



                     તામ આતશ ના ધૂપથી  
                      રક્ત જલ્યું છે રૂપથી  

                        નૈનની ધારે રેંગતા
                      શ્યામરંગ સરીસૄપથી    

                   શોણ લબ આસવનાં ઝરા
                      પી રહ્યો દગ લોલૂપથી 

                      તરબતર ગેસૂ સૌરભી 
                       છું સુરાશૂ આ રૂપથી 

                    ધ્યાનથી ચુક્યો -ને થયો
                     ક્ષુણ્ણ વામા સ્વરૂપથી  

                       ભેખથી તારો છેદ ના  
                     હા બલીયસ તું ભૂપથી