હરિએ મને હેતથી જે જે આપી
સદા એ બધી વસ્તુઓથી ધરાયો,
કરી જાતે વરણી ઘણું હુંયે લાવ્યો
કહું શું હરેક ચીજમાં ભેરવાયો.
ખરીદીને એક સ્વપ્ન જંગી રકમનું
અરે ! પેશગી દઈ ઘણું પોરસાયો,
સરળ હપ્તે બાકી રકમ ભરતા અંતે
ન સપનું કમાયો ન આખો મરાયો.
મળે પૂર્ણ અંકોના પાકા હિસાબો
મને ત્યાં લગી હાજરીએ રખાયો,
પછી દાખલામાં લઘુ આંકડો હું
અતિસૂક્ષ્મ એવો કહી અવગણાયો.
ઉતારી પ્રથમ દૂર જોવાના ચશ્મા
બતાવી દુલ્હન દૂરથી, કહીને સુંદર
નરી આંખે આંજી ઝબક, હાથ ખેંચી
બનાવી દુલ્હો માયરામાં લવાયો.
સુતેલા હશે કૈંક સસલાઓ રસ્તે
તું આગળ થશે કાચબાની ગતિએ
મને આ કથા વેંચી વેંચી એ માણસ
બન્યો પોતે સસલો અને હું ડઘાયો.
હતી એ ખબર ફક્ત શ્રીરામને કે
હું ક્યા માહ દિવસથી આવ્યો જગતમાં,
પછી જન્મ તારીખના દાખલામાં
મને એક જૂનેથી રમતો કરાયો.
તમે જો હો સુરજ તો છે સાવ છેડે
ભ્રમણ આપના સૂર્યમંડળમાં મારું
અલગ વાત છે એક અવધિ પછી પણ
ન રોશન થયો હું ન તમને ભળાયો.
bahot khub........
ReplyDelete