Tuesday, 4 October 2016

કાગડો થઇ લઇ ઉડે


છાપરે બેસીને છત્રી ખોલવા માંગી હતી ***
કાગડો થૈ લૈ ઉડે એવી હવા માંગી હતી

નભ ન હો ઝાંખુ ધરાનાં તેજથી એવી નિશા
મુગ્ધ આંખે તારલા અવલોકવા માંગી હતી 

ના તમે આપી કુહાડી કેમ..સમજાયું હવે 
એ જ શાખા, જ્યાં હું બેઠો, કાપવા માંગી હતી

સાવ આડા વેણ વેરી વેર કરતી જીભડી
પ્રિયને ત્રણ શબ્દ સીધા બોલવા માંગી હતી

નીત નવ્યાકાર સંગે મોહપાશે બાંધતી 
આ નજર આકારથી છૂટી જવા માંગી હતી 
~~~~~~~~~~~~~~~~~~~~~

              મેલેરીયા પુરાણ
~~~~~~~~~~~~~~~~~~~~~
ચાર ક્ષણ વરસાદ નીચે ભીજવા માંગી હતી 
એ પછી મેડીકલે ડોલો દવા માંગી હતી 

દ્વાર સાંજે વાસતાં વ્હાલો ભુલે..એવી દુઆ
મચ્છરોએ રક્ત મારુ પી જવા માંગી હતી

ખાજ ના આવે મને, છો કામ એ કરતા રહે 
એમ સઘળી રાત નિશ્ચલ પોઢવા માંગી હતી

શીશ ચડ્યું, અંગ ધગ્યા, ત્રાકકણ ઘટતાં ગયા 
બે રજાઈ મેં વધારે ઓઢવા માંગી હતી 

લૈ ગયા સાહેબ થપ્પી, ભાર હળવો થૈ ગયો 
આમ તો પૈ એક પણ ક્યાં ખર્ચવા માંગી હતી 

1 comment: